A+ A A-

Dekhta Deekra No Javab - Mohanlal Nathalal

(શ્રી ઇન્દુલાલ ગાંધીના \"આંધળી માનો કાગળ\" કાવ્યનો શ્રી મોહનલાલ નાથાલાલે લખેલો જવાબ)

હરખે હીંચતું હૈયું જેનું, પાદર જેવડું પત,
ગોવિંદભાઈના ગાંડિયા આગળ, ગગુ લખાવતો ખત,
માડી એની ગોમટા ગામે, મટુબાઇ માકોર નામે.  (૧)

મેડીયું મોટી ને મોટરું દોડે, મુંબઇ મોટું ગામ,
રખડી રખડીને થાક્યો માડી, તંયે માંડ મળ્યું છે કામ,
લાગે સૌને શે'ર મજાનાં, ઇથી તો ગામડાં સારાં.  (૨)


હોટલમાં માડી નોકરી કરું, વેચું છું રોજ ચાઇ,
પેટ પૂરતું માંડ ખાવાનું મળે, બચે નહીં એક પાઇ,
નાણાં તું મંગાવે ત્યાથી, પૈસા તુંને મોક્લં ક્યાંથી ? (૩)

હોટલમાં હું ખાઉં છું માડી, હોટલમાંહી જ વાસ,
ખાવાનું પૂરું ના જડે તે દિ', પીઉં છું એકલી છાશ,
પેટે હું થીંગડાં દઉં, વાત મારી કોને કહું ?  (૪)

કાગળ તારો વાંચીને માડી, છાનોમાનો હું રોઉં,
થાક્યોપાક્યો નીંદરમાં હું, તારાં સ્વપ્નાં જોઉં,
આંહુ મારાં કોણ જુવે, માડી વિણ કોણે લૂવે ? (૫)

સમાચાર સાંભળી તારા, મન મારું બઉ મૂંઝાય,
રાખ્યો પ્રભુએ નિર્ધન મુને, એને કેમ કરી પુગાય ?
દશા તારી એવી મારી, કરમની ગત છે ન્યારી !  (૬)

રેલ - ભાડાના પૈસા નથી ને કેની પાંહે હું જાઉં ?
વગર ટિકિટે માવડી મારી, તારાં દરસને ઘાઉં !
માડી મારી વાટડી જોજે, આંહુ માતા ઉરનાં ધોજે.  (૭)

લિખિતંગ તારા ગગુડાના, વાંચજે ઝાઝા પરણામ,
છેવટ તુંને મળવા કાજે, આવું છું તારે ધામ,
મા - દિકરો ભેળાં થાહું, સાથે મળી સરગે જાહું.  (૮)

-  મોહનલાલ નાથાલાલ

Dekhta Deekra No Javab - Meenu Desai

(શ્રી ઇન્દુલાલ ગાંધીના \"આંધળી માનો કાગળ\" કાવ્યનો શ્રી મીનુ દેસાઇએ લખેલો જવાબ)

દુઃખથી જેનું મોઢું સુકાયેલું, ચહેરે કુંડાળાના પટ
ઝવેરચંદના ઝીણિયા આગળ ગગો લખાવતો ખત
માડી એની અંધ બિચારી, દુઃખે દા\'ડા કાઢતી કારી.  (૧)

લખ્ય કે ઝીણા, માફી પહેલી માગી લઉં છું હું આજ,
જ્યારથી વિખુટો પડ્યો હું તારાથી ગમે ના કામ કે કાજ,
હવે લાગે જીવવું ખારું, નિત લાગે મોત જ પ્યારું.  (૨)

ભાણાના ભાણિયાની એક વાત માવડી છે સાવ સાચી,
હોટલમાં જઇ ખાઉં બે આનામાં પલેટ અરધી કાચી,
નવાં જો હું લૂગડાં પહેરું, કરું ક્યાંથી પેટનું પૂરું ? (૩)

દનિયું મારું પાંચ જ આના, ચાર તો હોટલે જાય,
એક આનાની ચાહ બીડી માડી ! બચત તે કેમ થાય ?
કરું ક્યાંથી એકઠી મૂડી ? કાયા કેમ રાખવી રૂડી ? (૪)

પાંચ આનાની મૂડીમાંથી હવે સંઘરીશ રોજના બે,
મોક્લી આપીશ માસને છેડે હું રકમ બચશે જે,
જેથી કંઇક રાહત થાશે, કદી હાથ લાંબો ન થાશે. (૫)

માસે માસે કંઇક મોકલતો જઇશ તારા પોષણ કાજ,
પેટગુજારો થઈ જશે માડી ! કરતી ના કામકાજ,
કાગળ ન ચૂકીશ માસે, લખાવીશ ઝીણિયા પાસે. (૬)

લિખિતંગ તારા ગીગલાના માડી ! વાંચજે ઝાઝા પ્રણામ,
દેખતી આંખે અંધ થઇ જેણે માડીનું લીધું ના નામ,
દુઃખી તું ના દિલમાં થાજે, ગોવિંદનાં ગીતડાં ગાજે. (૭)

- મીનુ દેસાઇ

Dekhta Deekra No Javab - Indulal Gandhi

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

- ઇંદુલાલ ગાંધી

Aandhli Maa No Kaagal - Indulal Gandhi

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

- ઇન્દુલાલ ગાંધી

Kankotri - Aasim Randeri

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!

- અમૃત ‘ઘાયલ’

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરી -આસીમ રાંદેરી